કેન્વાસ પર મૂર્ત અમૂર્ત ‘રૂપ’
NGS ATMM
માર્વેલ આર્ટ ગેલેરીમાં શહેરના સિનિયર આર્ટિસ્ટ ભંવરસિંહ પંવારનાં ચિત્રોનાં એક્ઝિબિશન ‘રૂપ’નું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશનમાં તેમણે છેલ્લાં એક વર્ષમાં બનાવેલાં 50 જેટલાં ચિત્રો એક્ઝિબિટ કર્યાં છે. આ આર્ટિસ્ટે અમદાવાદમાં 1965ના વર્ષમાં માનસિંહ છારા, પિરાજી સાગરા, રશ્મિકાંત ખત્રી, કનૈયાલાલ યાદવ, રમણિક ભાવસાર, ભાનુ શાહ, જનક પટેલ અને બાલકૃષ્ણ પટેલ સાથે મળીને ‘પ્રોગ્રેસિવ પેઇન્ટર્સ ઓફ અમદાવાદ’ નામનું ગ્રૂપ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેમણે લાઇન ડ્રોઇંગ્સ, એબસ્ટ્રેક્ટ, તાંત્રિક સીરિઝ અને હવે આ સીરિઝ રૂપનાં ચિત્રો બનાવ્યાં છે. આ ચિત્રો અને કળા જગત વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારાં ચિત્રોને હું એબસ્ટ્રેક્ટ નહીં પણ અનઆઇડેન્ટિફાઇડ ફોર્મ કહીશ. એબસ્ટ્રેક્શન જેવું કશું હોતું નથી. માત્ર આપણે નહીં જોયેલું અથવા અનુભવેલું હોય છે. મારી ક્રિએટિવ પ્રોસેસ પણ એવી છે કે કેન્વાસ પર રંગના લેયર્સ કરતો જઉં, તેમાંથી પછી મને જાણીતા અજાણ્યા આકારો બનતા દેખાય તે બનાવતો રહું છું. એક બાળકને જે રીતે વાદળમાં હાથી દેખાય તે રીતે મને ચિત્રમાં આ બધા આકારો દેખાય છે. જોકે, આ ચિત્રોને સમજવા કરતાં હું કહીશ કે તેને એન્જોય કરવા જરૂરી છે. તમને જો તેમાં ફોર્મ, ટેક્સચર, સ્પેસ ગમે તો તેની મજા છે. આ બધા જ એક બીજામાં એવા એકાકાર થઈ જાય છે કે, તમે ફોર્મ કે સ્પેસ અલગ ન કરી શકો.’ આ વિશે આ શોના ક્યુરેટર ચૈત્ય ધન્વી શાહે જણાવ્યું હતું કે, ‘આવા ઘણાં આર્ટિસ્ટ્સ આપણી આસપાસ જ છે. જેમને આપણે ઓળખી નથી શક્યા. આવાં આર્ટવર્ક્સ તૈયાર કરવાં માટે ઊંડા અભ્યાસ અને વર્ષોના મહાવરાની જરૂર રહે છે. આગામી 20 વર્ષો પછી લોકોને આ ચિત્રોનું મહત્વ સમજાશે તેવું મને લાગે છે.’ આ એક્ઝિબિશન ચોથી ફેબ્રુઆરી સુધી બપોરે 12થી સાંજે 7 સુધી જોઈ શકાશે.